મુન્દ્રા તાલુકામાં ૪૧૩૩૪ બાળકોને ઓરી રૂબેલાની રસી અપાશે પત્રકારો તથા ખાનગી તબીબોને માહિતગાર કરાયા

607

મુન્દ્રા તાલુકામાં ૪૧૩૩૪ બાળકોને ઓરી રૂબેલાની રસી અપાશે
પત્રકારો તથા ખાનગી તબીબોને માહિતગાર કરાયા

રોટરી હૉલ મુંદ્રા ખાતે તાલુકાની તમામ ફિમેલ હેલ્થ વર્કર તથા આશા બહેનોના ઓરી રૂબેલા અંગેના સંમેલનમાં બોલતા તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરીયાએ જણાવ્યુ હતું કે મુન્દ્રા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ઓરી રુબેલાની રસીકરણ અભિયાન હેઠળ તાલુકાના ૯ માસથી ૧૫ વર્ષ સુધીના ૪૧૩૩૪ બાળકોને રસી આપવામાં આવશે, તથા વધુ માહિતી આપતા ડૉ. સુતરિયાએ જણાવ્યું હતું કે ઓરી એક જીવલેણ બીમારી છે અને બાળકોને ન્યુમોનિયા, ઝાડા અને મગજના ચેપ જેવા ખુબ જ જીવલેણ રોગોની અસર જલદી થઈ શકે છે. જો સ્ત્રીને ગર્ભાવસ્થા દરમિયાન રૂબેલાનો ચેપ લાગે તો ગર્ભપાત, કસમયની પ્રસુતી કે બાળક ગર્ભમાં જ મૃત્યુ પામે તેવી સંભાવનાઓ વધી જાય છે. આ ગંભીર બીમારીથી બચવા માટે ૧૬ જુલાઈથી ઓરી રૂબેલા રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે જેમાં બાળકોની સુરક્ષિત જીંદગી અને સારા સ્વાસ્થય માટે આ રસી સંજીવની સમાન છે અને વાલીઓએ પોતાના બાળકોને સુરક્ષીત જીવન અને સારા સ્વાસ્થય માટે નિર્ભયતાથી બાળકોને રસી અપાવવી જોઈએ તેવો અનુરોધ કર્યો હતો.
રોટરી હૉલ મુંદ્રા ખાતે તાલુકા કક્ષાની પ્રેસ કોન્ફરન્સમાં કચ્છમિત્રના વિનોદ મહેતા, સંદેશના કપિલ કેશરિયા, ગુજરાત સમચારના પ્રતિનિધિ તથા રોટરી ગવર્નર દિલીપ ગોર તથા રોટેરિયન અતુલ પંડ્યાએ ઓરી રૂબેલા અંગેની પ્રશ્નોતરી કરીને વિવિધ ઉપયોગી સૂચનો કર્યા હતા. આ તબ્બકે ડો. સુતરીયાએ પત્રકાર મિત્રોને નેગેટિવ ન્યૂઝ આવે તો ચોખવટ કર્યા બાદ જ પ્રસિધ્ધ કરવા વિનંતી કરી હતી. તમામ પત્રકાર મિત્રોએ આ રસીકરણ મહા અભિયાનમાં સંપૂર્ણ સહકારની ખાત્રી આપી હતી. ત્યારબાદ મુન્દ્રાના ખાનગી તબીબો સાથે યોજાયેલ બેઠકમાં ખાનગી તબીબોએ આ અભિયાન દરમ્યાન બાળકોને જરૂરિયાત મુજબની તમામ સેવાઓ આપવાની ખાત્રી આપી હતી. જેમાં બાળરોગ નિષ્ણાંત ડો. શુભમ મહેશ્વરી, ગીતા હોસ્પીટલના ડો. કુંદન મોદી, જીવનદીપ હોસ્પીટલના ડો. ભગવાનજી કારકથલા, મીમ્સ હોસ્પીટલના ડો. હર્ષદ ગોસ્વામી તથા સર્વ સેવા સંઘના ડો. પુષ્ય ઠક્કર સહભાગી રહ્યા હતા.

તાલુકા હેલ્થ ઓફિસર, મુન્દ્રા-કચ્છ.