IT વિભાગે ચંદા કોચરના પતિ દીપક કોચરને ફટકારી વધુ એક નોટિસ

86

ઇન્કમટેક્સ વિભાગે ચંદા કોચરના પતિ દીપક કોચરને બીજી વખત નોટિસ ફટકારી છે. IT વિભાગના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, દીપક કોચરને બીજી વખત નોટિસ ફટકારવામાં આવી છે અગાઉ પણ ન્યૂ પાવર રિન્યુએબલ્સ સંબંધિત કારણદર્શક નોટિસ ફટકારી હતી. આ નોટિસ હેઠળ દીપકને પોતાની આવકને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. ચંદા કોચરના પતિ દીપકને પોતાની પર્સનલ આવકનો ખુલાસો આગામી 15 દિવસમાં આપવો પડશે.
ફોરેન ટેક્સ ડિવિઝને મોરિશિયસ ટેક્સ ઓથોરિટીને પત્ર લખીને ડીએચ રિન્યુએબલ હોલ્ડિંગ, ન્યૂ પાવર રિન્યુએબલ્સના શેરહોલ્ડર અને વીડિયોકોન ગ્રૂપના ચીફ વેણુગોપાલ ધૂત અંગે જણાવ્યું હતું. ગત મહિને ચર્ચામાં આવેલા આ કેસમાં ચંદા કોચર અને તેમના પરિવારના સભ્યોને વર્ષ 2012માં રૂ. 3.250 કરોડની વીડિયોકોન ગ્રૂપને આપવામાં આવેલી લોનમાં તેની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું.
ઈન્ડિય ઇન્વેસ્ટર્સ પ્રોટેક્શન કાઉન્સિલ ટ્રસ્ટી અરવિંદ ગુપ્તાએ કહ્યું હતું કે, પુરાવાઓના આધારે આ કેસમાં ચંદા કોચર પણ મેળવેલી લોનની લાભાર્થી છે, જ્યારે પતિ દીપક કોચર અપ્રત્યક્ષ રીતે લાભાર્થી છે. આ લોન વીડિયોકોનને આપવામાં આવી હતી. આ મહિનાની શરૂઆતમાં એટલે કે, 1 એપ્રિલના રોજ આ કેસમાં નોટિસ મોકલવામાં આવી હતી. સીબીઆઈની ટીમે કંપનીના અધિકારીઓને પૂછપરછ માટે બોલાવ્યા હતા, જેમાં ન્યૂ પાવર રિન્યુએબલ્સના ઉમનાથ વેંકટ નાઇક, ભૂતપૂર્વ ડાયરેક્ટર મહેશ પુગલિયા, રાજીવ કોચરનો સમાવેશ થાય છે. રાજીવ કોચર ચંદા કોચરનો દિયર છે. આ સાથે આર્થિક વ્યવહાર સંભાળતા સુનિલ ભુટાની પણ પૂછપરછ કરવામાં આવી હતી, જે કંપનીના વ્યવહારો અને ટેક્સ સંબંધી પાસાં સંભાળે છે.દીપક કોચરને આ અગાઉ પણ એક પ્રશ્નાવલી મોકલવામાં આવી હતી, જેમાં તેમની આવક ઉપરાંત સંપત્તિને લગતા અને લોન સંબંધી સવાલો હતા. તા. 13 એપ્રિલ સુધીમાં મોરિશિયસ ટેક્સ ઓથોરિટીને દીપકના વ્યવહારો અંગેની જાણકારી આપવા માગ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી ઓથોરિટી તરફથી કોઈ જાણકારી મળી નથી. કંપનીએ શેરનાં માધ્યમથી 325 કરોડ રૂપિયા અને 67 કરોડનું રોકાણ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે તપાસ કરી રિપોર્ટ તૈયાર કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતા.Download File